કુરઆનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે: સુરએ ફુરકાનમાં આયત ૪૮ અને ૪૯માં કુરઆને અઝીમે ફરમાવ્યું છે:
“અમે આસમાનમાંથી સ્વચ્છ અને પવિત્ર પાણી ઉતાર્યુ જે થકી મુરદા શહેરને જીવંત બનાવીએ અને પોતાના સર્જન – મખ્લુકાતમાંથી જાનવરો અને માનવીઓને તૃપ્ત કરીએ.”
સમગ્ર જગતમાં પાણીથી વધુ અન્ય કોઈ નેઅમત (ઈશ્વરનું પ્રદાન) નથી. કારણકે આજ પાણી ઉપર માનવીનું જીવન નિર્ભર છે. માત્ર માનવીજ પાણીનો મોહતાજ નથી પરંતુ જાનવરો અને ઝાડ-પાનનું જીવન પણ આજ પાણી ઉપર આધારિત છે.
આટલાજ માટે દરેક મઝહબ(ધર્મ) માં પાણી પીવરાવવાનો સવાબ(પુન્ય) ઘણો વધુ છે. આજ કારણથી મોહર્રમના દસ દિવસ ઠેક ઠેકાણે પાણીની સબીલ(પરબ) આ ઈમામ હુસૈન અ.સ.નાં નામ ઉપર રાખવામાં આવે છે. કારણ કે ઈમામ હુસૈન અ.સ. અને તેમના કાફલા (સાથીયો) ને ૩ દિવસ તરસ્યા રાખવામાં આવ્યા હતા.
ઉસુલે કાફી(ઇસ્લામ ધર્મની પ્રખ્યાત અને માનવંત પુસ્તક)માં ઈમામ જઅફરે સાદિક અ.સ.(ઈમામ હુસૈન અ.સ. નાં પૌત્ર) થી મન્કુલ છે કે હઝરત અલી અ.સ.(ઈમામ હુસૈન અ.સ.નાં પીતા)એ ફરમાવ્યું:
“કયામતના દિવસે જ્યારે સારા કાર્યોનો સવાબ સદ્કર્મીઓને આપવામાં આવશે ત્યારે તેની શરૂઆત તે લોકોથી કરવામાં આવશે કે જેઓએ આ દુનિયામાં કોઈ તરસ્યાને પાણીથી તૃપ્ત કર્યો હશે.”
પાણી વગર માણસ જીવી નથી શકતો. જો કોઈને ત્રણ દિવસ માટે પાણી બંધ કરી દેવામાં આવે તો તેનો શું હાલ થશે. અફસોસ એ પાણી મોહમ્મદ પયગંબર સાહેબના નવાસા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.
ઉમર સાઅદ નામની વ્યક્તિએ શરૂઆતથીજ ઈમામ હુસૈન અ.સ. માટે પાણી બંધ કરી દીધું હતું, પરંતુ જ્યારે ઈમામ હુસૈન અ.સ.એ કુવા ખોદાવ્યા અને થોડો સમય પોતાના સાથીઓને પાણી પીવરાવ્યું તો આ ખબર સાંભળીને ઇબ્ને ઝીયાદે ઈબ્ને સાઅદને પાણીની પાબંદીનો સખ્ત હુકમ લખી અને લખ્યું:
એ ઉમરે સાઅદ! તું ઈમામ હુસૈન અ.સ. અને તેમના સાથીઓ અને ફુરાત નદીના પાણી વચ્ચે આડશ બની જા જેથી તે લોકોને એક ટીપું પણ પાણી પીવા ન મળે. (નફસુલ મહમુમ, પા. ૧૦૮-૧૦૯)
આ પત્ર વાંચીને તેજ સમયે ઉમરે સાઅદે ઉમર બીન હુજ્જાજે ઝયદીને પાંચસો સવારોની સાથે ફુરાત નદીનાં કિનારે મોકલી આપ્યો. તે લોકો ત્યાં ઉતર્યા અને પાણી રોકી દીધું. આ વાત સૌ જાણે છે કે આ સખ્તાઇથી ઈમામ હુસૈન અ.સ. માટે કયારથી પાણી બંધ થયું.
આશુરાના દિવસે(મોહર્રમ મહિનાની ૧૦મી તારીખ) ઈમામ અ.સ.ની હાલત:
આશુરાના દિવસે તરસને લીધે ઈમામ હુસૈન અ.સ.ની એ હાલત હતી કે આંખોમાં અંધારૂં છવાઈ ગયું.
ઈમામ હુસૈન અ.સ. ના ચાર અંગો ઉપર અસર:
તે તરસે ઈમામ અ.સ.ના ચાર અંગો ઉપર અસર કરી હતી. પરંતુ તેનો અર્થ એ નથી કે ચાર અંગો સિવાય બીજા કોઈ અંગો ઉપર તરસની અસર ન હતી કારણકે તરસ એવી વસ્તુ છે જેનાથી માનવીની શકિત ક્ષીણ થઈ જાય છે અને તે કમજોર થઇ જાય છે અને ખાસ કરીને આ ચાર અંગો પર તરસની અસર વધારે થાય છે. તે ચાર અંગો આ છે:
પહેલું જીગર, ઈમામ અ.સ.નું જીગર પાણી ન મળવાથી ટૂકડે ટુકડા થઇ ગયું હતું. જેમકે ઈસ્તેગાસાના (મદદ માટે પોકારવાના) સમયે ખુદ અશ્કીયાઓ(દુશ્મનો)ને આ રીતે ફરમાવતાં હતા: એ લોકો! મને થોડું પાણી પીવરાવો કે તરસની સખ્તાઈથી મારૂં જીગર ટૂકડા ટૂકડા થઇ ગયું છે. (જીલાઉલ ઓયુન – પા. ૪૦૮)
બીજું હોઠ મુબારક છે, જે તરસના કારણે સુકાઈ ગયા હતા. જેમકે કવિ કહે છે:
“મારૂં જીવન ન્યોચ્છાવર એ નાજુક હોઠોં ઉપર જે તરસની તીવ્રતાથી ફુલની કરમાએલી પાંખડીની જેમ સુકાઈ ને જીવ વગરના થઇ ગયા હતા અને જેના હોઠ સુધી પાણીનું એક ટીપું સુદ્ઘા મરતા દમ સુધી ન પહોંચ્યું.”
ત્રીજું અંગ આંખો છે. જેમાં તરસના કારણે કુંડાળા પડી ગયા હતા અને ઉંડી ઉતરી ગઈ હતી, જેમકે શાયર કહે છે:
“મારૂં જીવન ફીદા થઇ જાય એ આંખો ઉપર જેમાં પાણી ન મળવાના કારણે ખાડા પડી ગયા હતા અને જે હસરતથી (નિરાશાથી ભરપૂર) વારંવાર ફુરાત નદીની તરફ જોયા કરતી હતી અને અંતિમ શ્વાસ સુધી પાણી ન મળ્યું.”
ચોથું અંગ જીભ જેના ઉપર પ્યાસે અસર કરી તે ઈમામ હુસૈન અ.સ. ની જીભ હતી. જે તરસથી સુકાઈ ગઈ હતી અને તેમાં કાંટા પડી ગયા હતા. ત્યાં સુધી કે તરસની સખ્તીના કારણે જરા જરા વારે જીભને ચાવતા હતા. વારંવાર ચાવવાના કારણે તે સુકી જીભ જખ્મી થઇ ગઈ હતી.