આ જગત માં શાંતિ અને સલામતીનો સંદેશો આપનાર એવા પવિત્ર ઇસ્લામ ધર્મને દુનિયા માં લાવીને સમગ્ર જગત માં ફેલાવનાર એવા હઝરત મોહંમદ પયગંબર સાહેબ નાં નવાસા ઇમામ હુસૈન અ.સ. હતા. વિતતા સમયની સાથે મોહંમદ પયગંબર સાહેબ પોતાનો અંતિમ શ્વાસ લે છે. જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ માનવતા પોતાનું મૂલ્ય ખોઈ રહી હતી. ઈન્સાનિયતનાં દરિયા માં દુષ્કર્મોની સુનામીઓ વારંવાર આવતી હતી. લોકોના અધિકારોને છીનવી લેવા જાણે સામાન્ય વાત થઇ ગઈ હતી. શરાબ, સ્ત્રીઓ સાથે વ્યભિચાર, અત્યાચાર, નિર્દોષ અને ગરીબ લોકો નું શોષણ જાણે આમ વાત થઇ ગઈ હતી.
એ સમયનાં ઝાલીમ અને તલવારનાં જોરે બની બેઠેલા બાદશાહ યઝીદે આમ જનતાની સાથે સાથે ઈમામ હુસૈન અ.સ.ને પણ પોતાના આ શાસનને સ્વીકારવાનું દબાણ કર્યું. પરંતુ ઈમામ હુસૈન અ.સ. એક એવા કુટુંબ માંથી હતા કે જે ક્યારેય બુરાઈનો સાથ ન આપે. ઈમામ હુસૈન અ.સ. એ પોતાનું મસ્તક તે અત્યાચારી બાદશાહ સામે નાં જુકાવ્યુ અને તેને સખ્ત અને કડક શબ્દો માં ઇનકાર કરી દીધો.
યઝીદ નામી આ અત્યાચારીનાં વધતા જતા દબાણ ને કારણે ઈમામ હુસૈન અ.સ.એ પોતાનું શહેર મદીના છોડવાનું નક્કી કરી નાખ્યું. ઈમામ હુસૈન અ.સ.નું કુટુંબ મોટું, શક્તિશાળી અને સશક્ત હોવા છતાં તેઓ પોતાના પરિવાર સાથે પોતાનું શહેર અને દેશ છોડી દે છે . કારણ કે તેઓ નહોતા ઇચ્છતા કે કોઈનું પણ લોહી વહે કે જંગ થાય. ઈમામ હુસૈન અ.સ. હમેશા શાંતિ ઈચ્છતા.
ઈમામ હુસૈન અ.સ. વતન છોડતી વખતે પોતાના ભાઈ ને વસીય્યત કરતા લખે છે.
‘‘ હું એટલા માટે નથી જઈ રહ્યો કે ધરતી ઉપર લોહી વહાવડાવું, ફસાદ કરું કે લોકો પર અત્યાચાર કરું. પરંતુ એટલા માટે જઈ રહ્યો છું કે માનવતાની સુધારણા કરું.’’
પછી તેઓ એક ઐતીહાસિક કથન કહે છે.
‘‘ મારી જેવો ક્યારેય યઝીદ જેવા (ઝાલીમ)ની બૈઅત (સ્વીકાર, સહકાર) નહી કરે. ’’
આ સાથેજ ઈમામ હુસૈન અસ.ની કુરબાની, બલિદાન અને આહુતિનો સિલસિલો શરુ થાય જાય છે.
૧. પોતાનું પ્યારું વતન મદીના જ્યાં તેમનો જન્મ થયો હતો, જ્યાં તેમના બધા સગા વ્હાલા રહેતા હતા, તે છોડી દે છે.
૨. વતન છોડી હજની મોસમ ચાલી રહી હતી અને તેઓ મક્કા પહોચે છે. હજ કરવાનો ઇરાદો કરે છે પરંતુ તેમને ખબર પડી કે અલ્લાહનાં ઘર પવિત્ર મક્કા માં પણ દુશ્મનો તેમનું લોહી વહાવવાની તૈયારી માં છે. માટે ઈમામ હુસૈન અસ. હજ કર્યા વગર મક્કા છોડીને નીકળી જાય છે.
૩. નાના નાના બાળકો અને ઔરતો સાથે લગભગ ૫ થી ૬ મહિના સુધી મુસાફરી કરે છે.
અંતે ૨જી (બીજી) મોહર્રમનાં દિવસે કરબલા (ઇરાક) માં પ્રવેશ કરે છે. ઈમામ હુસૈન અ.સ. એ ઝમીન ખરીદી લીધી હોવા છતાં યઝીદના લશ્કરનાં માણસો ઈમામ હુસૈન અ.સ.નાં પરિવારનાં તંબુઓને નદી કિનારાથી હટાવી લેવા કહે છે. ઈમામ હુસૈન અ.સ. ત્યારે પણ હિંસાનો માર્ગ ન અપનાવતા તંબુઓ હટાવી લે છે.
ત્યારથી દુશ્મનો નાં ટોળે ટોળા એક લાખ થી વધુ જમા થાય જાય છે. જેઓ નદી કિનારે પોતાનો પડાવ નાખે છે. અને પાણી બંદ કરી દે છે. ઈમામ હુસૈન અ.સ. નાં તંબુઓ માં ૭મી મોહર્રમ નાં પાણી ખાલી થઈ જાય છે. પરિવારની સ્ત્રીઓ અને બાળકો તરસનાં કરણે વલખા મારી રહ્યા હોઈ છે. પરિસ્થિતિ એ હતી કે બાળકો ખાલી પ્યાલા લઈને ‘‘હાય પ્યાસ હાય પ્યાસ’’ કરતા નજરે પડતા હતા.
અંતે ૧૦મી મોહર્રમનાં રોજ દુશ્મનો હુમલો કરે છે. એક એક કરીને ઈમામ હુસૈન અ.સ.નાં સાથીઓ, ભાઈઓ, ભત્રીજાઓ, ભાણીયાઓ, ત્યાં સુધી કે ઈમામ હુસૈન અ.સ. નાં ૬ મહિના નાં બાળક અલી અસ્ગરને પણ ૩ ભાલાનું તીર મારીને શહીદ કરી દે છે. અને અંતે ઈમામ હુસૈન અ.સ. ને પણ શહીદ કરી દેવામાં આવે છે.
આટલેથી એ ઝાલીમ લોકો એ બસ ન કરતાં તેઓએ શહીદોની લાશો પર ઘોડા દોડાવ્યા, ઔરતો અને બચ્ચાઓ ને કૈદ કરી તેમના તંબુઓ સળગાવી દીધા અને સામાન બધો લુટી લીધો.
ઈમામ હુસૈન અ.સ. પર થએલા આ અત્યાચારનાં પરીણામ રૂપે એક એવી ક્રાંતિ થઈ કે યઝીદનાં અત્યાચાર લોકોની સામે જાહેર થઈ ગયા.
આમ, ઈમામ હુસૈન અ.સ. એ હસ્તી હતા કે જેમણે સત્યને બાકી રાખવા અને યઝીદની સામે અહિંસાનાં માર્ગ પર ચાલી પોતાના અને પોતાના પરિવારજનોનું બલિદાન આપી દીધું. અને એ સાબિત કરી બતાવ્યું કે હીંસા ને જો મિટાવવી હોઈ તો અહીંસા સિવાય કોઈ સારો માર્ગ નથી.
ઈમામ હુસૈન અ.સ. કહે છે . ‘‘અપમાન ભર્યા જીવન કરતા માન ભર્યું મૃત્યુ સારું છે.’’